મોબાઈલ યુગમાં બાળકોને કરાવ્યો ગામડાના જૂના જીવનનો અનુભવ, મહેસાણાના ભાંડુ ગામમાં 600થી વધુ બાળકો માટે અનોખો કેમ્પ

Maru Mehsana 1 day ago Mehsana

Updated:

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ત્રણ દિવસીય અનોખા વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દેશ-વિદેશમાંથી 600થી વધુ બાળકો જોડાયા છે. બાળકોને જૂના સમયની ગ્રામ્ય સંસ્કૃતિ, ખેતીની પદ્ધતિઓ, પરંપરાગત રમતો અને ગામડાની રહેણીકરણીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે અહીં પ્રાચીન ગામનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આજના મોબાઈલ અને ટેક્નોલોજીના યુગમાં બાળકો ધીમે ધીમે ગામડાની પરંપરા અને જૂની જીવનશૈલીથી દૂર થઈ રહ્યાં છે. ત્યારે નવી પેઢીને આપણી મૂળ સંસ્કૃતિ સાથે જોડવાના હેતુથી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.

ભાંડુ ગામમાં પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ત્રણ દિવસીય વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દેશ-વિદેશમાંથી 600થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

કેમ્પની ખાસિયત એ છે કે અહીં જૂના સમયના ગામડાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. બાળકોને વર્ષો પહેલાં લોકો કેવી રીતે જીવન જીવતા હતા, ખેતી કેવી રીતે કરતા હતા અને રોજિંદા જીવનમાં કયા સાધનોનો ઉપયોગ કરતા હતા તેની જાણકારી આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત જૂના સમયનાં મકાનો, પરંપરાગત વાસણો, ખેતીનાં ઓજારો અને ગામડાની જીવનશૈલીને પણ જીવંત રીતે રજૂ કરવામાં આવી છે. બાળકોને પરંપરાગત ગ્રામ્ય રમતો રમવાની તક પણ આપવામાં આવી રહી છે.

આ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોને માત્ર પુસ્તકો કે મોબાઈલ દ્વારા નહીં, પરંતુ વાસ્તવિક અનુભવના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અલગ-અલગ ગામોમાં આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભાંડુ ગામને આ અનોખા આયોજન માટે પસંદ કરવામાં આવ્યું છે.

આવી પહેલથી નવી પેઢીને પોતાના મૂળ, ગામડાની સંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલી સાથે જોડાવાની સુંદર તક મળી રહી છે.

Share this news

More news